Anilkumar Rathwa (Sameer) 28 Mar 2026 ग़ज़ल समाजिक "આત્મ-મંથન" 3433 0 Gujarati :: ગુજરાતી
હજી તો રાખમાં ક્યાંક શ્વાસનો થરથરાટ બાકી છે, બુઝાયા અગ્નિમાં પણ સૂર્યનો આહટ બાકી છે. પરાજયના મલીન પટ પર કલમ તારી ઘસીને જો, નસીબોના લલાટે જીતનો ઝળકાટ બાકી છે. નથી આ પાનખર કે જે બધુંયે લૂંટી લેશે તારું, ભીતરના બીજમાં એક ભવ્ય વટવૃક્ષ બાકી છે. ભલે રેતીમાં પગલાં ભૂંસતા વાયુના ઝાપટાં હો, સમંદરની છાતી પર તારો રણકાર બાકી છે. તૂટેલા કાચના ટુકડા ય હૈયાને વીંધી જાશે, હજી તો તીક્ષ્ણ તારી ધારનો ઝબકાટ બાકી છે. નવી વ્યાખ્યા તું લખજે હારની આ દુનિયાના ચોપડે, ગગનને આંબવાના હોંસનો થનગાટ બાકી છે.